Sunday, 16 March 2014

માણસ થાકી જાય છે



એટલું નક્કી કરતાં,જીવન આખું જાય છે,
આખરે શેના કારણે,માણસ થાકી જાય છે.

બુદ્ધિની વાત માનતાં,દિલ રિસાઈ જાય છે.
દિલને જો મનાવો,બે આંખે પાણી જાય છે.

વહાવી લેવા આંસુ,બધો ભાર હટી જાય છે,
દર્દ દબાવી દબાવી,માણસ થાકી જાય છે.

દોડતાં ભાળી સહુને,દોડવા લાગી જાય છે,
ખબર નથી ઉત્તર,જો પૂછો,તું ક્યાં જાય છે?

અર્થ વિનાની દોડમાં,આયખું વીતી જાય છે,
અંતે કંઈ ના મળતાં,માણસ થાકી જાય છે.

મળેલું ગયેલું બધું, ચોપડે રહી જાય છે,
સીકંદરો પણ અંતે, ખાલી હાથે જાય છે.

ભરો રેત ગમે એટલી, આખરે સરી જાય છે,
ખાલી હાથ જોઈ જોઈ, માણસ થાકી જાય છે.

-         Baiju Jani

(૧૬/૩/૨૦૧૪)

Wednesday, 5 March 2014

ચેક લીસ્ટ

જેમ ટી.વી. જોતાં વીજળી ગૂલ,
એમ જીવન બત્તી થાશે ગૂલ.

કેટલાંય સોરી ને થેંક્યું બાકી,
પ્રેમની વાત પણ ઉધાર રાખી,

અંત સમયે બસ આનો ભાર,
આપશે  વેદના  અપરંપાર.

કામના ઘણાં બનાવ્યા લીસ્ટ,
હવે લાગણીનું લખો ચેક લીસ્ટ.

કહો પ્રેમથી અને મારો ટીક,
જીવન જાતે થઇ જશે ઠીક.

-       Baiju Jani
(૦૫/૦૩/૨૦૧૪)




અનિશ્ચિતતા. જીવનની એકમાત્ર વાસ્તવિકતા. જેમ ટેલીવીઝન જોતાં જોતાં અચાનક વીજળી જતી રહે, બસ એવું જ કંઇક મૃત્યુ છે. ગમે ત્યારે આવી શકે. છેલ્લા સમયે બધાને મળવાનું મન થાય છે. થોડું શાંતિથી વિચારીએ તો આના પાછળનું મોટામાં મોટું કારણ એ હોઈ શકે કે દરેકને કંઈક કહેવાનું બાકી રહી ગયું હોય છે. કોઈને સોરી કહેવાનું બાકી હોય એ યાદ આવે, કોઈનો આભાર માનવાનો હોય એ યાદ આવે. પ્રેમના બે મીઠાં શબ્દો કહેવાનાં હોય એ માટે પણ આપણે વિલંબ કરતાં હોઈએ છીએ. આવા સમયે માણસ ઉદાસ થઇ જાય છે. આનંદથી મૃત્યુને ભેટતાં ઉદાહરણો ઓછા જોવા મળે છે એનું એકાદ કારણ અવ્યક્ત લાગણીઓ પણ હોઈ શકે. જીવનનાં રોજીંદા કામો માટે આપણે ચેક લીસ્ટ બનાવતાં હોઈએ છીએ પણ અવ્યક્ત લાગણીઓની કોઈ યાદી આપણી પાસે હોય છે ખરી?. મજાની વાત એ છે કે સૌથી વધું લાગણીઓ વ્યક્ત કરવાની રહી જતી હોય તો એ પોતાનાં ઘરમાં. પતિ-પત્ની એકબીજાને સોરી કે થેંક્યું જવલ્લેજ કહેતાં હોય છે. છેલ્લે આઈ લવ યુ ક્યારે કીધું એ ઘણીવાર યાદ નથી હોતું. ઘણાને આ ફોર્માલીટી લાગે પરંતુ આની પણ મજા છે. સંબંધો પર આની પણ અસર પડે છે. એ જ રીતે મમ્મી, પપ્પા, ભાઈ કે બહેનને માટે પણ આપણી આવી ઘણી અવ્યક્ત લાગણીઓ હોય છે.  આજે ઘરની વ્યક્તિઓનો આભાર વ્યક્ત કરી જોજો કે કરેલ ભૂલ માટે સોરી કહી જોજો. દિલથી એકવાર આઈ લવ યુ કહી જોજો. હ્રદય હળવું ફુલ થઇ જશે.