સાયલન્સ
પ્લીઝ. પાંચ મિનીટ માટે બધું જ કામ બાજુ પર મુકીને આપણું જીવન કેવી રીતે ચાલે છે એ
વિચારીએ. આપણે જીવંત છીએ અને જીવનનો વ્યવહાર ચાલે છે એ માટે અગણિત વસ્તુઓનો સાથ
સહકાર છે. આજે થોડો સમય કાઢી એમના વીશે વાત કરીએ.
પ્રકૃતિ.
નાનકડો પણ અતિવિશાળ શબ્દ. શબ્દ એટલા માટે લખું છું કારણકે આપણા રોજીંદા જીવનમાં
શું આપણે તેને એક શબ્દથી વધારે મહત્વ આપીએ છીએ? અનંત બ્રહ્માંડમાં એક નાનો ગ્રહ
પૃથ્વી. કેટલી સુંદર વ્યવસ્થા છે અહીં. નિરંતર ચાલતા આપણા શ્વાસોચ્છવાસ કોને આભારી
છે? જીવનપેય એવું પાણી આપણને કોણ આપે છે? સુર્યપ્રકાશ વિના શું જીવન શક્ય હોત ખરા?
જયારે જયારે આપણે રૂટીન લાઈફથી કંટાળી જઈએ છીએ ત્યારે કોઈ હિલસ્ટેશન પર જતાં રહીએ
છીએ અને પ્રકૃતિ તેના અપ્રિતમ સૌદર્યથી આપણા મનને પ્રફુલ્લિત અને તરોતાજાં કરે છે.
પણ જયારે આપણને આપણા ઘરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય અને સુર્યાસ્ત કોઈ
હિલસ્ટેશન જેવો જ સુંદર દેખાવા લાગશે ત્યારે તરોતાજાં થવા માટે વેકેશનની રાહ નહીં
જોવી પડે. વહેલી પરોઢે, ઝાંકળભીનાં વાતાવરણમાં, ઉગતો સૂર્ય જોતાં જોતાં, પક્ષીઓનો
કલરવ સાંભળવો એ હિલસ્ટેશનથી ઓછું રિફ્રેશીંગ નથી હોતું. બસ જરૂર છે પ્રકૃતિને
ધ્યાન દઈને નિહાળવાની.