Sunday 27 October 2013

મન તને..


મન તને શું કહું તો તું માને?
ચિંતા વ્યથા બેચેની અમસ્તી
છોડી હવે શાંત થાને....

મારું મારું ક્યાં સુધી કરશે?
ભરી ભરીને તું કેટલું ભરશે?
ભરીશ એટલું ભારે થવાશે
છોડીશ એટલું છુટા થવાશે
સાવ સાદું ગણિત છે, કેમ તું ના જાણે?
મન તને શું કહું તો તું માને?

‘હું’, ‘હું’ ને બસ ‘હું’ જ છે તારે
બીજાની વાત સાંભળી છે ક્યારે,
સ્વજનો જયારે ના હાથ લંબાવશે
હુંકાર ના અંધકારમાં ડૂબી જવાશે
‘હું’ અને ‘તું’ બધું એક જ કેમ ના જાણે?
મન તને શું કહું તો તું માને?

આજે તને છે કાલની ચિંતા
કાલે હશે પાછી કાલ ની ચિંતા
રોજ કાલનું વિચારશે તો આજ કેમ જીવાશે?
આજ વીતેલી ક્ષણોને તું પાછી કેમ લાવશે?
ખળખળ વહેતી જીંદગીની પળપળ કેમ ના માણે?
મન તને શું કહું તો તું માને?
ચિંતા વ્યથા બેચેની અમસ્તી
છોડી હવે શાંત થાને.....


--- બૈજુ જાની