Monday 30 December 2013


Monday 23 December 2013

આપણી આજુબાજુ.


સાયલન્સ પ્લીઝ. પાંચ મિનીટ માટે બધું જ કામ બાજુ પર મુકીને આપણું જીવન કેવી રીતે ચાલે છે એ વિચારીએ. આપણે જીવંત છીએ અને જીવનનો વ્યવહાર ચાલે છે એ માટે અગણિત વસ્તુઓનો સાથ સહકાર છે. આજે થોડો સમય કાઢી એમના વીશે વાત કરીએ.

પ્રકૃતિ. નાનકડો પણ અતિવિશાળ શબ્દ. શબ્દ એટલા માટે લખું છું કારણકે આપણા રોજીંદા જીવનમાં શું આપણે તેને એક શબ્દથી વધારે મહત્વ આપીએ છીએ? અનંત બ્રહ્માંડમાં એક નાનો ગ્રહ પૃથ્વી. કેટલી સુંદર વ્યવસ્થા છે અહીં. નિરંતર ચાલતા આપણા શ્વાસોચ્છવાસ કોને આભારી છે? જીવનપેય એવું પાણી આપણને કોણ આપે છે? સુર્યપ્રકાશ વિના શું જીવન શક્ય હોત ખરા? જયારે જયારે આપણે રૂટીન લાઈફથી કંટાળી જઈએ છીએ ત્યારે કોઈ હિલસ્ટેશન પર જતાં રહીએ છીએ અને પ્રકૃતિ તેના અપ્રિતમ સૌદર્યથી આપણા મનને પ્રફુલ્લિત અને તરોતાજાં કરે છે. પણ જયારે આપણને આપણા ઘરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય અને સુર્યાસ્ત કોઈ હિલસ્ટેશન જેવો જ સુંદર દેખાવા લાગશે ત્યારે તરોતાજાં થવા માટે વેકેશનની રાહ નહીં જોવી પડે. વહેલી પરોઢે, ઝાંકળભીનાં વાતાવરણમાં, ઉગતો સૂર્ય જોતાં જોતાં, પક્ષીઓનો કલરવ સાંભળવો એ હિલસ્ટેશનથી ઓછું રિફ્રેશીંગ નથી હોતું. બસ જરૂર છે પ્રકૃતિને ધ્યાન દઈને નિહાળવાની.

Saturday 21 December 2013


મુંજાય મન
શું ખરું ને શું ખોટું?
પૂછો દિલને.

- બૈજુ જાની 

 

Monday 16 December 2013

સરવાળો-બાદબાકી

બેંકના પાર્કિંગમાં મેં બાઈક પાર્ક કર્યું. બાજુમાં એક વડીલ પાસબુક હાથમાં લઇ ગણતરી કરતાં હતાં. એક ક્ષણ માટે એમને મારી સામે જોયું, મેં સ્માઈલ કરી પણ એમના ચેહરા પર ગંભીરતા જ રહી. લગભગ વીસેક મિનીટ પછી હું બેંકમાંથી બહાર આવ્યો. વડીલ હજુ પાસબુકમાં જ ખોવાયેલા હતાં. થોડો વિચાર કર્યા બાદ મેં અંતે પૂછી જ લીધું કે, ‘દાદા કોઈ મદદ કરું?’

કચવાતા મને દાદાએ પાસબુક મારા હાથમાં આપી, ‘હીસાબમાં કઇંક ભૂલ લાગે છે, જરા જોઇશ?’
મેં પાસબુકમાં નજર ફેરવી. દાદાએ કહ્યું, સરવાળામાં ભૂલ લાગે છે. પાસબુકની છેલ્લી એન્ટ્રીના પેજ પર મારી નજર પડી. જમણી બાજુ ખૂણામાં લખ્યું હતું, Entry Carry Forward. મેં બન્ને એન્ટ્રીની તારીખ જોઈ. આગળના પેજ પર ઓવરપ્રીન્ટ થવાને કારણે, બીજી એન્ટ્રી કરવામાં આવી હતી. મેં દાદાને પૂછ્યું, કેટલાની ભૂલ આવે છે સરવાળામાં? તેમણે કહ્યું એક આખા મહિનાના પેન્શનની. રૂ. ૧૪૫૮૪ પૂરા. હું સમજી ગયો કે દાદા ઓવરપ્રીન્ટ વળી એન્ટ્રીને બે વખત ગણતાં હશે. મેં એમને આખી વાત સમજાવી. પછી મોબાઈલમાં બધી એન્ટ્રીનો સરવાળો કરી બતાવ્યો. બધું બરાબર હતું. દાદા ખડખડાટ હસી પડ્યા. એમને આટલું મુક્તમને હસતાં જોઈ હું પણ થોડું હસ્યો પણ એમનું હાસ્ય થોડું લાંબુ ચાલ્યું. મેં સાહજીક રીતે જ પૂછ્યું, દાદા કેમ આટલું બધું હસો છો? એમણે સાવ નાના બાળકની જેમ કહ્યું કોઈને કેહતો નહીં, હું ગણિતનો શિક્ષક હતો. આખી જીન્દગી બાળકોને સરવાળા બાદબાકી શીખવ્યા અને આજે મારો જ સરવાળો ખોટો પડ્યો. એમને શું પ્રતિભાવ આપવો એ હું નક્કી ના કરી શક્યો એટલે મેં કહ્યું આવું તો ચાલ્યા કરે દાદા, અને મેં બાઈક પાર્કિંગમાંથી બહાર કાઢી. એમના મોઢા પર હજી હાસ્ય હતું, એ વાતો કરવાના મૂડમાં હતાં. મને કહે,તારું ગણિત તો પાક્કું છે હો? હવે મને ખડખડાટ હસવું આવી ગયું. એમને નવાઈ લાગી. મને ક્હે, હવે તને શેનું હસવું આવે છે? મેં કહ્યું આમ તો હું એન્જીનીયર છું પણ ગણિતમાં બાપુએ એકવાર ડાંડી મારી છે. મને જો કોઈ એક વિષય ગમતો ન હોય તો તે ગણિત છે. અને અમે બંને ફરીથી ખડખડાટ હસી પડ્યા.

મેં બાઈક ચાલુ કરતાં કરતાં કહ્યું, ચાલો હવે રજા લઉં. એમણે જાણે મારી વાત સાંભળી જ ન હોય તેમ વાતો ચાલુ રાખી. થોડાં ગંભીર થઈને ક્હે, જીવનમાં પણ આવુજ થાય છે. જયારે પાસબુક આપણી હોય ત્યારે આપણને બીજાની ભૂલ જ દેખાય છે. પોતાનો સરવાળો હંમેશા સાચો લાગે છે. એટલે આખી જીંદગી બસ હિસાબ કરતાં રહીએ છીએ પણ હિસાબ કદી મળતો નથી. કોની ભૂલ છે એ જોવામાં જીંદગી જતી રહે છે પણ પોતાની પાસબુકની એન્ટ્રી સાચી છે કે નહી તે કદી જોઈ શકતાં નથી. આખી જિંદગી ગણિત શીખવ્યા પછી આજે મને એટલીજ ખબર પડી કે જીવનમાં ગણિતને એટલું બધું મહત્વ ન આપવું કે આપણને માત્ર સરવાળા બાદબાકી જ ધ્યાનમાં રહે. એના સીવાય પણ ધ્યાનમાં રાખવા જેવી અનેક બાબતો છે.

અમે બન્ને એકબીજાની આંખોમાં જોતા હતા. જતાંજતાં મેં દાદાને કહ્યું કે તમારા સરવાળામાં ભલે આજે ભૂલ નીકળી હોય પણ શિક્ષક તમે બિલકુલ સાચા છો જે પોતાની ભૂલમાંથી કઇંક શીખી અને શીખવાડી શકે છે. આ નાનકડા પ્રસંગમાંથી તમે મને જે શીખ આપી છે એટલુંજ ખાલી બરાબર આવડી જાય તો ઘણાબધાં કોયડાઓ ઉકલી જાય.


ચહેરા પર સ્મિત સાથે અમે બંનેએ વિદાય લીધી. 

--- બૈજુ જાની.


Wednesday 11 December 2013

મનની સફાઈ


મનનાં બધાં ઓરડાની આજે સફાઈ કરી લઈએ,
કામનું હોય તે રાખીએ, નકામું ખાખ કરી દઈએ .

યાદો જૂની પુરાણી બધી, ઝીણવટથી સ્મરી લઈએ,
ખાટી-મીઠી રાખીએ, કડવી બધીજ વિસ્મરી જઈએ.

જુના સપનાઓ ખૂણામાં મળશે, ફરી જોઈ લઈએ,
ધૂળ ખંખેરી લઈએ, ને તેને જીવંત કરી લઈએ.

બેઠો હશે અહમ પડદા ઓઢી, આજે પકડી લઈએ,
પડદા કાઢી લઈએ , અહમને ઘુસવા ન દઈએ.

ડર છે કોઈ અજ્ઞાત ઓરડામાં બંધ, ગોતી લઈએ,
ઓરડો ખોલી દઈએ ને ડરને મુક્ત કરી દઈએ.

ઈર્ષ્યા હશે અંધારા ભોયરાંમાં, બહાર કાઢી લઈએ,
સમજણનો દીવો કરીએ, ઈર્ષ્યાને ઓલવી દઈએ.

નવો કચરો આવે નહીં, ચોકીદાર ગોઠવી દઈએ,
તેમ છતાં ખાતરી માટે, રોજ તપાસ કરી લઈએ.

---   બૈજુ જાની.


Sunday 8 December 2013

જીવનનું પ્રશ્નપત્ર


એથીજ જીવનના પ્રશ્નપત્રને સાવ સહેલું નથી ગણતા,
પ્રશ્નો હોય છે ખુદના જ,  પણ ઉત્તર નથી મળતાં.

ચોરી કરવાની છૂટ છે પણ એના ગુણ નથી મળતાં,
એ દરેક ઉત્તર ખોટાં, જેના કોઈ પ્રમાણ નથી મળતાં.

બે જ જાતનાં પરિણામ અહીં, ‘પાસ’ કે ‘નપાસ’ મળતાં,
જાળવીને આપજો ઉત્તર કેમકે, ‘ચઢવો પાસ’ નથી મળતાં.

ફક્ત પ્રામાણિક પરિણામો અહીં, કોઈ ગફ્લા નથી મળતાં,
તમારી ઉત્તરવહીનું મૂલ્યાંકન, કોઈ બીજાં નથી કરતાં.

સમય ખુદનેજ નક્કી કરવાનો, કોઈ કલાકો નથી ગણતાં,
છતાંય પ્રશ્નપત્ર પૂરું કરનારાં, બહુ વધું નથી મળતાં.

દરેકને સમાન ગણાય છે, કોઈ ભેદ નથી મળતાં,
નથી કોઈ આરક્ષણ છતાં, બહું ઉમેદવાર નથી મળતાં.

પોતાનાં પ્રશ્નો, પોતાનાં જવાબો, ને પોતેજ મૂલ્યાંકન કરતાં,
છતાંય પરિણામ જાહેર થયે, ઝાઝાં ઉત્તીર્ણ નથી મળતાં.



--- બૈજુ જાની.