Wednesday 11 December 2013

મનની સફાઈ


મનનાં બધાં ઓરડાની આજે સફાઈ કરી લઈએ,
કામનું હોય તે રાખીએ, નકામું ખાખ કરી દઈએ .

યાદો જૂની પુરાણી બધી, ઝીણવટથી સ્મરી લઈએ,
ખાટી-મીઠી રાખીએ, કડવી બધીજ વિસ્મરી જઈએ.

જુના સપનાઓ ખૂણામાં મળશે, ફરી જોઈ લઈએ,
ધૂળ ખંખેરી લઈએ, ને તેને જીવંત કરી લઈએ.

બેઠો હશે અહમ પડદા ઓઢી, આજે પકડી લઈએ,
પડદા કાઢી લઈએ , અહમને ઘુસવા ન દઈએ.

ડર છે કોઈ અજ્ઞાત ઓરડામાં બંધ, ગોતી લઈએ,
ઓરડો ખોલી દઈએ ને ડરને મુક્ત કરી દઈએ.

ઈર્ષ્યા હશે અંધારા ભોયરાંમાં, બહાર કાઢી લઈએ,
સમજણનો દીવો કરીએ, ઈર્ષ્યાને ઓલવી દઈએ.

નવો કચરો આવે નહીં, ચોકીદાર ગોઠવી દઈએ,
તેમ છતાં ખાતરી માટે, રોજ તપાસ કરી લઈએ.

---   બૈજુ જાની.