Monday 23 December 2013

આપણી આજુબાજુ.


સાયલન્સ પ્લીઝ. પાંચ મિનીટ માટે બધું જ કામ બાજુ પર મુકીને આપણું જીવન કેવી રીતે ચાલે છે એ વિચારીએ. આપણે જીવંત છીએ અને જીવનનો વ્યવહાર ચાલે છે એ માટે અગણિત વસ્તુઓનો સાથ સહકાર છે. આજે થોડો સમય કાઢી એમના વીશે વાત કરીએ.

પ્રકૃતિ. નાનકડો પણ અતિવિશાળ શબ્દ. શબ્દ એટલા માટે લખું છું કારણકે આપણા રોજીંદા જીવનમાં શું આપણે તેને એક શબ્દથી વધારે મહત્વ આપીએ છીએ? અનંત બ્રહ્માંડમાં એક નાનો ગ્રહ પૃથ્વી. કેટલી સુંદર વ્યવસ્થા છે અહીં. નિરંતર ચાલતા આપણા શ્વાસોચ્છવાસ કોને આભારી છે? જીવનપેય એવું પાણી આપણને કોણ આપે છે? સુર્યપ્રકાશ વિના શું જીવન શક્ય હોત ખરા? જયારે જયારે આપણે રૂટીન લાઈફથી કંટાળી જઈએ છીએ ત્યારે કોઈ હિલસ્ટેશન પર જતાં રહીએ છીએ અને પ્રકૃતિ તેના અપ્રિતમ સૌદર્યથી આપણા મનને પ્રફુલ્લિત અને તરોતાજાં કરે છે. પણ જયારે આપણને આપણા ઘરની બાલ્કનીમાંથી દેખાતો સૂર્યોદય અને સુર્યાસ્ત કોઈ હિલસ્ટેશન જેવો જ સુંદર દેખાવા લાગશે ત્યારે તરોતાજાં થવા માટે વેકેશનની રાહ નહીં જોવી પડે. વહેલી પરોઢે, ઝાંકળભીનાં વાતાવરણમાં, ઉગતો સૂર્ય જોતાં જોતાં, પક્ષીઓનો કલરવ સાંભળવો એ હિલસ્ટેશનથી ઓછું રિફ્રેશીંગ નથી હોતું. બસ જરૂર છે પ્રકૃતિને ધ્યાન દઈને નિહાળવાની.


પ્રકૃતિ આટલી સુંદર લાગે છે એની વિવિધતાને કારણે. વિવિધ જાતનાં ફુલ, વિવિધ ફળ, વિવિધ પશુ પક્ષી, વિવિધ રંગો વગેરે વગેરે. માણસોની વાત કરીએ તો આપણી આસપાસની દરેક વ્યક્તિ પણ અલગ અલગ છે. આ ઈશ્વરની સૌથી મોટામાં મોટી કલા છે. આપણે જેટલું વૈવિધ્ય વિચારી પણ ન શકીએ તેટલું વૈવિધ્ય ઈશ્વરે માણસમાં મુકેલું છે. ઘણીવાર લાગે છે ઈશ્વર બુટીક ચલાવે છે. એક જાતનો બસ એક જ માણસ. વન પીસ. યુનિક. અને થોડું વિચારીએ તો આ એક જ વિશેષતાને કારણે આપણે જીવી શકીએ છીએ. જરાં બે ઘડી માટે વિચાર કરીએ, જો બધાં માણસો એકસરખાં હોત તો? આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં આપણા જેવો જ કાર્બન કોપી માણસ. ધ્રુજારી આવી જાય. કેમ જીવવું? શું વાતો કરવી? અસલમાં કોની જોડે વાતો કરવી? એટલે જ ઈશ્વરે બધાને અલગ અલગ બનાવ્યા છે. બધાનાં વિચાર અલગ એટલે બધાનાં કામકાજ અલગ. કોઈ ડોક્ટર, કોઈ વકિલ, કોઈ એન્જીનીયર વગેરે. એકબીજાના સાથ સહકારથી બધાનું કામ ચાલ્યા કરે છે. પણ શું આપણે માણસોની આ વિવિધતાને મન આપીએ છીએ?

પ્રકૃતિની વિવિધતા આપણને ગમે છે. આપણે કદી એવું પૂછીએ છીએ કે ગુલાબ કેમ કમળ જેવું નથી? કાગડો કેમ પોપટ જેવો નથી? ગુલાબ એ બસ ગુલાબ છે. તો પછી જયારે માણસોની વાત આવે ત્યારે આપણે વિવિધતાને કેમ સ્વીકારી શકતા નથી? કેમ આપણે એવું ઈચ્છીએ છીએ કે સામી વ્યક્તિ આપણી જેમ વિચારે કે આપણને ગમે એવું વર્તન કરે? આખરે માણસ પણ પ્રકૃતિનો જ એક ભાગ છે અને વિવિધતા એ જ પ્રકૃતિનો મૂળભૂત ગુણધર્મ છે. જીવનમાં ક્યારેક તો આપણે સ્વીકારવું જ પડશે કે માણસો અલગ અલગ જ હોય છે અને તેમને જેવા છે તેવા જ સ્વીકારવા જોઈએ. તો પછી આજથી જ કેમ એની શરુઆત ન કરીએ?

રોજબરોજની જીન્દગીમાં આપણે જયારે જયારે વ્યથિત થઇ જઈએ ત્યારે બસ આ વિવિધતા વિશે વિચારીએ. કોઈ વ્યક્તિ જેની સાથે આપણને નથી ફાવતું તો વિચારીએ કે એ વ્યક્તિ બસ એવો જ છે. એને જેવો છે એવો સ્વીકાર્યા પછી જ આગળ કોઈ વાત થઇ શકે જે અર્થપૂર્ણ હોય. કોઈ નાની ઘટના કે જે આપણા માટે અડચણરૂપ છે એ બીજાં માટે સહાયરૂપ પણ હોઈ શકે છે. સવાલ એ છે કે આપણે તેને કેવી રીતે જોઈએ છીએ. ઘણીવાર એવું થઇ આવે છે કે જીવનમાં કશું બરાબર નથી ચાલતું. ત્યારે બસ બે મિનીટ શાંતિથી વિચાર કરીએ તો દેખાશે કે બધું વ્યવસ્થિત જ ચાલે છે બસ આપણી દ્રષ્ટી બદલવાની જરૂર છે. આપણી આજુબાજુની પ્રકૃતિ, માણસો અને બીજી અનેક નાની નાની વસ્તુઓને જેને અત્યાર સુધી આપણે બહુ લક્ષ નથી આપ્યું એના વીશે શાંતિથી વિચારીએ તો હ્રદયમાંથી એક જ ઉદ્દગાર નીકળે, ‘આભાર’.



--- બૈજુ જાની.