Saturday, 26 April 2014

એવો કંઇક બન

કોઈના જેવો બનવા મથીશ, તો કંઈ નહીં બને,
કોઈક તારા  જેવું બનવા મથે, એવો કંઇક બન.
છે એવો તું બધાંયને ગમે, એમ કદી નહીં બને,
થોડોઘણો તું  પોતાનેય  ગમે, એવો કંઈક બન.

 -  Baiju Jani

    

Saturday, 19 April 2014

સમંદર

(બંધારણ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)
છંદ : રમલ


તુજ સરીખો ઓ સમંદર એક સાગર મુજ મહીં
જોઉં તુજને, થાય ઘેલો, લે ઉછાળા મુજ મહીં

કોણ જાણે?  શું છુપાયું? શું દટાયું? તુજ મહીં
કો’ ન જાણે, શું છુપાયું,  શું દબાયું, મુજ મહીં 

થાય પાગલ નીરખી તું, ચાંદ તારો નભ મહીં
થાવ પાગલ નીરખી હું, ચાંદ મારો મુજ મહીં

ઘૂઘવે સૌ ઓટ ભરતી સાથ કાયમ જગ મહીં
ઘૂઘવે તું,  સુણતાં સહું, મારું ઘૂઘવું મુજ મહીં

ખારવાને તું નભાવે , જીવ નભતાં  તુજ મહીં
જાણવાને ‘હું’ અભાવે, ‘હું’ જ રમતો મુજ મહીં

-     Baiju Jani

(૧૯/૪/૨૦૧૪)

Wednesday, 9 April 2014

બાકી રહે છે

લાખ પૂછ્યા પછીય, સવાલ બાકી રહે છે,
મનમાં એકાદ ગુંચવણ સદા બાકી રહે છે.

“આવું કેમ?”, સતત પૂછ્યા કરવું વ્યર્થ છે,
કારણ નું કારણ મળવું, સદા બાકી રહે છે.

પ્રેમ અને ઈશ્વર, બંનેનો એક જ અર્થ છે,
બંનેની વાતમાં, કંઇક, સદા બાકી રહે છે.   

બધાંને હસાવવાની, જાણે રાખી ટેવ છે,
કોણ જાણે કેમ સદા, જાત બાકી રહે છે.

નવ દ્વારની કાયા તો માત્ર એક સગવડ છે,
અંતે તો માટલીમાં થોડી રાખ બાકી રહે છે.

સળગે છે તો ઘણાં, પણ ધૂપસળીનો વટ છે,
રાખ થયા પછીય થોડી સુવાસ બાકી રહે છે.


-       Baiju Jani
(૦૯.૦૪.૨૦૧૪)



Saturday, 5 April 2014

હસી લેવામાં મજા છે


જીંદગીને પૂરેપૂરી કસી લેવામાં મજા છે,
દિલનાં દુઃખને તાળી દઈને, હસી લેવામાં મજા છે.

જો રાખે કોઈ દિલમાં, તો વસી જવામાં મજા છે,
કોઈ ફેંકે કાઢી બહાર, તો હસી લેવામાં મજા છે.

જો આપે કોઈ માન, તો નમી લેવામાં મજા છે,
કરે કોઈ અપમાન, તો બસ હસી લેવામાં મજા છે.

જીત મળે તો હાથ હલાવી, ઉજવી લેવામાં મજા છે,
જો હાર મળે તો હાથ મીલાવી, હસી લેવામાં મજા છે.

જો આવી ચડે ઉદાસી, તો ખસી લેવામાં મજા છે,
કરી ખુદને ગલગલીયા થોડાં, હસી લેવામાં મજા છે.

આવે દુઃખો આંસુ લઇ તો, રોકી લેવામાં મજા છે,
ના રોકાય તો રડતાં રડતાં, હસી લેવામાં મજા છે.

મળે જીવન જેવું ને જેટલું, જીવી લેવામાં મજા છે,
આવે મોત તો મરતાં મરતાં, હસી લેવામાં મજા છે.



-- Baiju Jani

Friday, 4 April 2014

અહીં રોજ નવું ઘણું શીખવું પડે છે




અહીં રોજ નવું ઘણું શીખવું પડે છે,
અહી જતું કરી ઘણું  જીવવું પડે છે.

નથી જીતાતું કંઈ,લડી દુનિયા સાથે,
જાત સાથે પણ ઘણું લડવું પડે છે.

નથી હાસ્યને સંબંધ માત્ર સુખ સાથે,
દુઃખ સાથે પણ ઘણું હસવું પડે છે.

રૂમાલ થોડો જ ભીંજાય છે આંખ સાથે,
પણ ઓશીકાને ઘણું પલળવું પડે છે.

નથી હોતાં નકશાઓ સત્ય સુધી જવાના
ભોમિયા વિના ભીતર ભમવું પડે છે. 

-  Baiju Jani