Thursday 12 February 2015

પ્રશ્નાર્થ

હજી યાદ છે,
એ બે નાની નાની આંખો.
અમને ટગર ટગર જોતી.

મેં બસ તેની સામે જોયેલું,
એમ જ, સાવ અમસ્તાં.
પછી, અમારી આંખો મળી.
મેં તેની આંખોમાં જોયા નાનાં નાનાં પ્રશ્નાર્થચિહ્નો,
એક મોટાં પ્રશ્નાર્થચીહ્નમાં આડાઅવળાં વિખરાયેલા.

મેં સ્મિત કર્યું એની તરફ.
પણ એ થોડે દૂર જઈ બેસી ગઈ.
ઉદાસ, સૂનમુન અને સાવ ચૂપ.
હું તેને જોતો રહ્યો ચુપચાપ.
પગ ઘણી વખત ઉપડ્યા અને ફરી ઉભા રહી ગયા.
મારે તેની સાથે વાત કરવી હતી,
        પણ તેના પ્રશ્નાર્થચિહ્નોનું શું?
        કદાચ હું જાઉં તો એક-બે પ્રશ્નાર્થ વધુ પણ ઉમેરાય.
        આજે એવું લાગ્યું કે હું કંઈ જ નથી જાણતો,
        ખરેખર કંઈ જ નહીં.
        એક નાની બાળકીના પ્રશ્નોના જવાબ પણ નથી મારી પાસે.
        સાવ શૂન્યમનસ્ક અને વ્યથિત થઈને હું તેને જોતો રહ્યો.

        એવામાં બે-ત્રણ બાળકોએ આવી, તેને ઊંચકી લીધી,
        અને ટીંગાટોળી કરવા લાગ્યા.
        એ ખડખડાટ હસવા લાગી.
        થોડીવાર પછી તેણે મારી સામે જોયું,
        અને એક નાનું એવું સ્મિત આપ્યું,
        અને એક મોટી વાત સમજાવી દીધી.
        મેં પણ, ઘણી હિંમત ભેગી કરીને, આંસુ ન પડે એ રીતે,
        તેની સામે સ્મિત કર્યું.

મારી દીકરી પણ આ બધું જોતી હતી.
એ અમારી બાજુમાં જ ઉભી હતી,
મમ્મી-પપ્પાનો હાથ એકદમ મજબૂત પકડીને.
એ દિવસે, અમે બધાં,
અનાથઆશ્રમ ગયા હતાં.


-     બૈજુ જાની