Sunday, 10 November 2013

હશે તું કે નહિ હોય


હશે તું કે નહિ હોય, કાયમ મથતો રહ્યો,
તું ઝલક દેતો રહ્યો, હું શોધમાં ફરતો રહ્યો.

તું હશે, છે અને છે જ, માની લઉં કેમ તરત?
જાતને સાબિત કરવા, પુરાવા માંગે જગત,
એકલો હું જીંદગીમાં, સાબિત થવા મથતો રહ્યો,
તું મદદ મજબુત કરતો રહ્યો, હું સબુત માટે ફરતો રહ્યો.


જો તું ના હોય, તો ના જીવાય?
મનુષ્ય છું, એમ તરત શસ્ત્રો કેમ મુકાય?
તારી હયાતીને નકારવાના, નિષ્ફળ પ્રયાસ કરતો રહ્યો,
તું રોજ શ્વાસ ભરતો રહ્યો, હું જાત સાથે લડતો રહ્યો.


મારે દરેક સવાલોના ઉત્તર જોઈએ સાચા,
ચાલવા માટે રસ્તા સીધેસીધા અને એ પણ પાકા,
જીવનના અઘરા સવાલોના, સહેલા જવાબ ઘડતો રહ્યો,
હું ઉત્તર ખોટા દેતો રહ્યો, પણ તું ઉત્તીર્ણ કરતો રહ્યો.

કોઈએ કહ્યું તું આવો હોય ને કોઈએ કહ્યું તો તેવો,
ફરી ફરીને એટલું જાણ્યું, જેવો માનીએ, છે તું એવો,
ચિંધેલા રૂપોમાં શોધવા તને, રાત દિન ભટકતો રહ્યો
તું અંતરમાં રમતો રહ્યો, હું નાહક બહાર ભમતો રહ્યો