થોડો સમય હવે આપવાની જરૂર છે,
આ પ્રેમને નજીકથી જાણવાની જરૂર છે.
ન સમજાય પ્રેમ કદી આપ-લે ના ચક્કરમાં,
કંઈ લીધાં વિના બધુય આપવાની જરૂર છે.
બદલામાં મળતો પ્રેમ ઓછો લાગશે કાયમ,
જેને આપો,તેની મોજને માણવાની જરૂર છે.
ન હોઈ શકે દુઃખનું કારણ પ્રેમ કદી પણ,
આ અપેક્ષાઓને થોડી તપાસવાની જરૂર છે.
કોણ સમજી શક્યું છે કદી બીજાને પૂરું અહીં,
ન સમજે તોય, પ્રેમ દાખવવાની જરૂર છે.
જે કહી શકાય છે એ કદી નથી હોતું પુરતું,
શબ્દની સાથે મૌન પણ, સાંભળવાની જરૂર છે.
નહીં જણાય પ્રેમને પૂરો ‘સંબંધોમાં સીમિત’,
આ ‘ભાવ’ને ‘સ્વભાવ’ બનાવવાની જરૂર છે.
-
Baiju Jani
(૧૪/૨/૨૦૧૪)