Friday 7 February 2014

એકદમ ખાસ, The One.



સંબંધો. અનેક પ્રકારના સંબંધો હોય છે આપણા જીવનમાં. દરેકને એક ચોક્કસ નામ. માતા, પિતા, ભાઈ, બહેન, પતિ, પત્ની, પુત્ર, પુત્રી, બા, દાદા વગેરે વગેરે. દરેક સંબંધ રૂપે એક વ્યક્તિ આપણા જીવનમાં અસ્તિત્વ ધરાવે છે. જીવનમાં દરેક વ્યક્તિનું એક ચોક્કસ મહત્વ અને ચોક્કસ સ્થાન હોય છે. પણ આજે વાત કરવી છે એવા વ્યક્તિની જે એકદમ ખાસ હોય છે. આ બધાં નામોમાંથી જ એક, પણ કોઈ ચોક્કસ નહીં. દરેક વ્યક્તિ માટે અલગ અલગ. કોઈના માટે માતા, કોઈના માટે પિતા, તો કોઈના માટે પતિ, પત્ની, પ્રેમી, મિત્ર, ભાઈ કે દાદા. તેની સાથેનો સંબધ સૌથી અલગ. હા, દરેકના જીવનમાં એક એવી વ્યક્તિ જરૂર હોય છે જેને તમે કહી શકો, એકદમ ખાસ, The One.

કહેવાનો મતલબ બિલકુલ એવો નથી કે બીજાં સંબંધો તેના કરતાં ઉતરતાં છે. પણ એ વ્યક્તિ ખાસ એટલા માટે બની જાય છે કે એ તમારામાં રહેલી સંભાવનાને જુએ છે. તમારા Potential ને ઓળખે છે. દરેક વ્યક્તિમાં કંઇક વિશેષ કરવાની સંભાવના હોય છે. પણ મોટાભાગે એ વ્યક્તિને કાં તો ખબર નથી હોતી યા  તો પોતાનાં પર વિશ્વાસ નથી હોતો પરંતુ એને તમારા પર હંમેશા વિશ્વાસ હોય છે. અને આ જ કારણથી એ વ્યક્તિ ખાસ બને છે. દરેક બીજમાં વૃક્ષ બનવાની સંભાવના હોય છે. પણ માત્ર સંભાવનાથી બીજ વૃક્ષ નથી બની જતું. કોઈ આ બીજને જમીનમાં રોપે છે, તેને સમયસર પાણી આપે છે અને એ વૃક્ષ ન બને ત્યાં સુધી તેનું રક્ષણ કરે છે. આવું જ કંઇક કામ એ વ્યક્તિનું હોય છે.

આટલું વાંચ્યા પછી તમારા મનમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ આવી ગયું હશે. જો હા, તો બહુ સરસ. જો ના તો આ ચોક્કસ વ્યક્તિને કેમ ઓળખાય તેની વિશે થોડી વાત કરીએ. શું તમારા જીવનમાં કોઈ એવું વ્યક્તિ છે જે હંમેશા તમારી જોડે સારી રીતે વર્તે છે? દરેક સંબંધોમાં ખાટીમીઠી ચાલ્યા કરતી હોય છે પણ કોઈ એવું પણ છે જેની જોડે તમે કદાચ કોઈ વાર ખરાબ વર્તન કર્યું હશે પણ તેનું વર્તન કદી બદલાયું નથી? જયારે તમે જીવનમાં હારી ગયા હોવ કે કંઈ પણ બરાબર લાગતું ન હોય ત્યારે તમે કોઈની પાસે દોડી જાવ છો, અને તેની પાસે જઈ બીજીજ મીનીટે તમને બધું બિલકુલ બરાબર લાગવા માંડે છે? (અહીં એ કહ્યા વગર રહેવાતું નથી કે હજી બે વર્ષ પહેલા સુધી, મારા દાદા હયાત હતાં. હું ઘણીવાર એમની પાસે જઈને એમના ખોળામાં સુઈ જતો. બધાને માટે એ ખાલી વ્હાલભર્યું વર્તન જ હતું પણ મારા માટે એ અનુભવ વર્ણવી શકાય તેવો નથી.) જયારે તમે કોઈ મુશ્કેલીમાં હોવ કે બસ એમ જ ઉદાસ હોવ ત્યારે કોઈ ચોક્કસ માણસને મળવાનું કે તેની સાથે વાત કરવાનું મન થાય છે? કોઈ એવું વ્યક્તિ છે જેનાથી તમે કોઈ પણ વાત છુપી રાખવા માંગતા નથી? જયારે તમે કોઈને ખુબ યાદ કરતાં હોવ ત્યારે જ તેમનો ફોન આવી જાય કે એ ખુદ આવી જાય એવું વારંવાર બને છે? જયારે તમે દુઃખી હોવ ત્યારે મળતાંવેત જ કોઈ તમને પૂછી લે છે કે, શું થયું? શું કોઈને માત્ર મળીને કે માત્ર તેમની સાથે બેસીને કે ખાલી થોડી આડી અવળી વાતો કરીને તમને આનંદ આવે છે? આવો કોઇપણ અનુભવ જેની જોડે થતો હોય અને એક જ વાક્યમાં કહેવું હોય તો જેની સાથે અને જેની પાસે તમે આરામનો અનુભવ કરતાં હોવ એ છે The One.

આ વિશિષ્ટ વ્યક્તિ આપણી ખુબ જ નજીક હોઈ શકે છે અને ઘણીવાર ખુબ દૂર. એનાથી બહુ મોટો ફર્ક નથી પડતો. એનું હોવું એ જ એક મોટી વાત છે. એ હંમેશા તમારા માટે પ્રેરણારૂપ બની રહે છે.  જરૂર છે બસ એને ઓળખવાની. સભાનપણે. બહુ ઊંડે તમને એ ખબર જ હોય છે એ કોણ છે પણ જયારે તમે એને સભાનપણે ઓળખો છો ત્યારે જ તમે તેને એવું માન અને પ્રેમ આપી શકો છો જેના માટેના તેઓ હકદાર છે. એ છે અને તમે પણ છો ત્યાં સુધીમાં એમને એ કહી દેવું ખૂબ જરૂરી છે કે, “મારા જીવનમાં આવવા માટે તમારો આભાર.” જયારે તમે તેની આંખમાં આંખ નાખીને આમ કહો ત્યારે જો તમે બંને આગળ કંઈ બોલી ન શકો,  બંને ચહેરા પર સ્મિત હોય અને હ્રદયમાંથી કોઈ ઉમળકો આંખ વાટે વહી જાય તો માનજો કે, એ જ વ્યક્તિ છે, THE ONE.



-     Baiju Jani.