Friday 31 January 2014

સુખનો અર્થ


લાગે સુખ, જે નથી તેમાં, મળતાં લાગે વ્યર્થ,
બને આમ, તો થાય પ્રશ્ન, સુખનો છે શું અર્થ?

જેમ ક્ષિતિજે, ધરા ને આભ, મળતાં એવો ભ્રમ,
સુખ હંમેશા દૂર શોધવું, મનનો એવો ક્રમ.

દૂર ડુંગર, લાગે સુંદર, પાસે જતાં પથરાં,
મળતું તેમાં, દુઃખ શોધવું, મનનાં એવા નખરાં.

બીજાં કરતાં સુખ વધારે જયારે પાસે આવતું,
સુખી વધારે, મારાં કરતાં, ફરી કોઈ લાગતું.

કોઈ મળેના જેણે જગમાં બધું જ પામી લીધું,
સંતોષ માત્ર સુખની ચાવી, એવું એટલે કીધું,

ઝાંઝવા જળ જોઇને દોડે, મૃગ સદા એ દુઃખી,
મળતું તેમાં આનંદ પામે, નર સદા એ સુખી.

ખોટા સુખની શોધમાં જેઓ, આખું જીવન ભમતાં
કંઈ ન મળતાં, અંત સમયે, દુઃખી વદને ફરતાં.

સુખ શોધવા આંખ મીંચીને ભીતર મારો ગોતા,
છેક હિમાળે પહોંચી સાધુ, સુખને ભીતર જોતાં.


-     Baiju Jani

(૩૧/૦૧/૨૦૧૪)