Friday 23 May 2014



બીજાની સામે જીતવું હોય તો કંઇક મેળવીને જીતાય છે,
પણ પોતાની સામે જીતવું હોય તો ઘણુંબધું છોડવું પડે.

પોતાની સાથે લડાઈ ચાલુ થાય ત્યારે ખબર પડે કે,

મેળવવા કરતાં છોડવામાં વધુ મહેનત લાગે છે.

- Baiju Jani


Tuesday 20 May 2014

માણસને જરાં ખોતરો


માણસને જરાં ખોતરો, ને ખજાનો નીકળે,
સાચવીને  સંઘરેલો, એક જમાનો નીકળે.

મળે કશે આખી જિંદગી જીવતી દટાયેલી,
થાય બેઠી, બસ એક જણ પોતાનો નીકળે.

જરૂરી નથી કે સીધાં દેખાતાં જ સારાં હોય,
કદી કોઈ  અડીયલ  પણ, મજાનો નીકળે.

રખે માનશો,  હૈવાનીયત  હૈવાનો જ  કરે,
કદી, સજ્જનમાંથીય ઘણાં, શૈતાનો નીકળે.

ઘા, બધે જ મળે છે, ચાહે ગમે તેને ખોતરો
કદી  બહાર, કદી  અંદર, નિશાનો  નીકળે.

કંઈ જ નક્કી નહીં, આ તો માણસ કહેવાય,
બહારથી  પોતાનો, અંદર  બીજાનો નીકળે.

-     Baiju Jani

(૨૦/૫/૨૦૧૪)

Sunday 11 May 2014

માં

વૈશાખની બળબળતી બપોર,

ધગધગતો ફૂટપાથ,

વીજળીના થાંભલાની આજુબાજુ,

ત્રણ લાકડીઓ ગોઠવી,

એના ઉપર એક ફાટેલી સાડી બાંધી,

ઉભું કરેલું ...

એક ઘર.


આ દીવાલો વગરના ઘરની અંદરનું તાપમાન ,

બહારના તાપમાન કરતાં

ખાસ્સું નીચું હોય એવું લાગ્યું.


આ ઘરની અંદર,

ચારેક વર્ષનું બાળક,

સુતું છે...

નિરાંતે....

પોતાની માં ના ખોળામાં.

હા...આ એ જ માં...

જેણે આ ઘર,

ઉભું કર્યું છે,

અને પોતાના વાત્સલ્યથી,

એને વાતાનુકુલીત કર્યું છે.


-- Baiju Jani

Sunday 4 May 2014

બર્થ ડે..

હસમુખલાલ બગીચામાં આવીને બેઠાં,
રોજની જેમ,
સામેનાં બાંકડે વસુધાબેન બેઠાં હતાં.
રોજની જેમ.

રોજની જેમ આજે હસમુખલાલ હસમુખ ન્હોતાં.
રડું રડું થતી એમની આંખોમાંથી,
બહુ રોક્યા છતાંય,
એક અશ્રુ ટપકી પડ્યું.
ચશ્માં કાઢ્યા, લૂછ્યાં, પહેર્યા,
થોડીવારમાં ફરી ભીનાં થતાં,
ફરી કાઢ્યા ને બાજુમાં મૂક્યાં.

વ્સુધાબેનને એટલી ખબર પડી કે,
આજે બધું બરાબર નથી,
રોજની જેમ.

એ ઉભાં થઇ નજીક આવ્યા.
હું અહીં બેસું?
હસમુખલાલે હા માં માથું ધુણાવ્યું.

હું વસુધા.
હું હસમુખ.

આજે કંઈ મૂંઝવણમાં લાગો છો.
હસમુખલાલે કહ્યું, ના..ના...કંઈ ખાસ નહીં.
અચ્છા...તો આંખમાં કંઇક પડ્યું હશે નહીં?
થોડાં મૌન પછી, હસમુખલાલે કહ્યું,
એ તો.... જરા... તમારા બેનની યાદ આવી ગઈ.

તો શું આજે એમની પુણ્યતિથિ?
ના..ના...આજે મારો જન્મદિવસ......
ઓહો...હેપ્પી બર્થ ડે.
તો...આજે તો તમારે બધાં જોડે ઘરે હોવું જોઈએ.

થોડી નિસાસો નાંખી હસમુખલાલ બોલ્યાં,
ઘરનાં બધાં બહાર ગયા છે,
સવારથી....
થોડે દૂર એક રિસોર્ટમાં,
એમના એક ફ્રેન્ડની,
બર્થ ડે ઉજવવા.

થોડીવાર પછી વસુધાબેન, થેલીમાંથી એક ડબો કાઢી,
ગંભીર વાતાવરણને હળવું બનાવતાં બોલ્યાં,
લો...કેક ખાવ.

હસમુખલાલે અચરજ પામતાં, સ્મિત સાથે કહ્યું,
અરે..શું વાત છે?
પણ તમને કેવી રીતે ખબર પડી કે આજે મારો જન્મદિવસ..??

ના..ના.. હકીકતમાં આ તમારા માટે નહોતી બનાવી.
હું કાલે જ શીખી કેક બનાવતાં.
આ પરી માટે બનાવી હતી.
પરી...મારા દીકરાની દીકરી.
આજે એનો પણ જન્મદિવસ છે.

તો આ કેક એને આપી નહીં? હસમુખલાલે આશ્ચર્યથી પૂછ્યું.

વસુધાબેને કહ્યું,
એ બધાં પણ બહાર ગયા છે,
સવારથી...
બર્થ ડે ઊજવવા...
પરીનો....


-- Baiju Jani
   4/5/2014



Saturday 26 April 2014

એવો કંઇક બન

કોઈના જેવો બનવા મથીશ, તો કંઈ નહીં બને,
કોઈક તારા  જેવું બનવા મથે, એવો કંઇક બન.
છે એવો તું બધાંયને ગમે, એમ કદી નહીં બને,
થોડોઘણો તું  પોતાનેય  ગમે, એવો કંઈક બન.

 -  Baiju Jani

    

Saturday 19 April 2014

સમંદર

(બંધારણ : ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)
છંદ : રમલ


તુજ સરીખો ઓ સમંદર એક સાગર મુજ મહીં
જોઉં તુજને, થાય ઘેલો, લે ઉછાળા મુજ મહીં

કોણ જાણે?  શું છુપાયું? શું દટાયું? તુજ મહીં
કો’ ન જાણે, શું છુપાયું,  શું દબાયું, મુજ મહીં 

થાય પાગલ નીરખી તું, ચાંદ તારો નભ મહીં
થાવ પાગલ નીરખી હું, ચાંદ મારો મુજ મહીં

ઘૂઘવે સૌ ઓટ ભરતી સાથ કાયમ જગ મહીં
ઘૂઘવે તું,  સુણતાં સહું, મારું ઘૂઘવું મુજ મહીં

ખારવાને તું નભાવે , જીવ નભતાં  તુજ મહીં
જાણવાને ‘હું’ અભાવે, ‘હું’ જ રમતો મુજ મહીં

-     Baiju Jani

(૧૯/૪/૨૦૧૪)

Wednesday 9 April 2014

બાકી રહે છે

લાખ પૂછ્યા પછીય, સવાલ બાકી રહે છે,
મનમાં એકાદ ગુંચવણ સદા બાકી રહે છે.

“આવું કેમ?”, સતત પૂછ્યા કરવું વ્યર્થ છે,
કારણ નું કારણ મળવું, સદા બાકી રહે છે.

પ્રેમ અને ઈશ્વર, બંનેનો એક જ અર્થ છે,
બંનેની વાતમાં, કંઇક, સદા બાકી રહે છે.   

બધાંને હસાવવાની, જાણે રાખી ટેવ છે,
કોણ જાણે કેમ સદા, જાત બાકી રહે છે.

નવ દ્વારની કાયા તો માત્ર એક સગવડ છે,
અંતે તો માટલીમાં થોડી રાખ બાકી રહે છે.

સળગે છે તો ઘણાં, પણ ધૂપસળીનો વટ છે,
રાખ થયા પછીય થોડી સુવાસ બાકી રહે છે.


-       Baiju Jani
(૦૯.૦૪.૨૦૧૪)