Showing posts with label કવિતા-ગઝલ. Show all posts
Showing posts with label કવિતા-ગઝલ. Show all posts

Saturday 11 January 2014

જિંદગી





હોય એટલું જોર હવે લગાવ જીંદગી,
દમ હોય તો મને હવે સતાવ જીંદગી.

સુખની વ્યાખ્યા મેં જડમૂળથી બદલી,
દમ હોય તો દુઃખ હવે બતાવ જીંદગી.

ગોતી લઉં છું આનંદ દરેક વાતમાંથી,
દમ હોય તો મને હવે રડાવ જિંદગી.

દૂરથી લડી ન માપ્યા કર જોર મારું,
દમ હોય તો બથોબથ હવે આવ જિંદગી 

પડી પાછો બેઠો થાઉં છું બમણા જોશથી,
દમ હોય તો મને હવે હરાવ જીંદગી.

હું નહીં, પણ તું જરૂર થાકશે લડાઈમાં,
દમ હોય તો હાથ હવે મીલાવ જીંદગી.


--  બૈજુ જાની
         (૧૧/૧/૨૦૧૪)

Wednesday 11 December 2013

મનની સફાઈ


મનનાં બધાં ઓરડાની આજે સફાઈ કરી લઈએ,
કામનું હોય તે રાખીએ, નકામું ખાખ કરી દઈએ .

યાદો જૂની પુરાણી બધી, ઝીણવટથી સ્મરી લઈએ,
ખાટી-મીઠી રાખીએ, કડવી બધીજ વિસ્મરી જઈએ.

જુના સપનાઓ ખૂણામાં મળશે, ફરી જોઈ લઈએ,
ધૂળ ખંખેરી લઈએ, ને તેને જીવંત કરી લઈએ.

બેઠો હશે અહમ પડદા ઓઢી, આજે પકડી લઈએ,
પડદા કાઢી લઈએ , અહમને ઘુસવા ન દઈએ.

ડર છે કોઈ અજ્ઞાત ઓરડામાં બંધ, ગોતી લઈએ,
ઓરડો ખોલી દઈએ ને ડરને મુક્ત કરી દઈએ.

ઈર્ષ્યા હશે અંધારા ભોયરાંમાં, બહાર કાઢી લઈએ,
સમજણનો દીવો કરીએ, ઈર્ષ્યાને ઓલવી દઈએ.

નવો કચરો આવે નહીં, ચોકીદાર ગોઠવી દઈએ,
તેમ છતાં ખાતરી માટે, રોજ તપાસ કરી લઈએ.

---   બૈજુ જાની.


Sunday 8 December 2013

જીવનનું પ્રશ્નપત્ર


એથીજ જીવનના પ્રશ્નપત્રને સાવ સહેલું નથી ગણતા,
પ્રશ્નો હોય છે ખુદના જ,  પણ ઉત્તર નથી મળતાં.

ચોરી કરવાની છૂટ છે પણ એના ગુણ નથી મળતાં,
એ દરેક ઉત્તર ખોટાં, જેના કોઈ પ્રમાણ નથી મળતાં.

બે જ જાતનાં પરિણામ અહીં, ‘પાસ’ કે ‘નપાસ’ મળતાં,
જાળવીને આપજો ઉત્તર કેમકે, ‘ચઢવો પાસ’ નથી મળતાં.

ફક્ત પ્રામાણિક પરિણામો અહીં, કોઈ ગફ્લા નથી મળતાં,
તમારી ઉત્તરવહીનું મૂલ્યાંકન, કોઈ બીજાં નથી કરતાં.

સમય ખુદનેજ નક્કી કરવાનો, કોઈ કલાકો નથી ગણતાં,
છતાંય પ્રશ્નપત્ર પૂરું કરનારાં, બહુ વધું નથી મળતાં.

દરેકને સમાન ગણાય છે, કોઈ ભેદ નથી મળતાં,
નથી કોઈ આરક્ષણ છતાં, બહું ઉમેદવાર નથી મળતાં.

પોતાનાં પ્રશ્નો, પોતાનાં જવાબો, ને પોતેજ મૂલ્યાંકન કરતાં,
છતાંય પરિણામ જાહેર થયે, ઝાઝાં ઉત્તીર્ણ નથી મળતાં.



--- બૈજુ જાની.

Sunday 24 November 2013

તુજને મળું છું


દુનિયા ઈચ્છે છે જેવો, એવો એને મળું છું
જેવો હું છું, એવો તો બસ તુજ ને જ મળું છું.
મળવા ખાતર મળી લઉં છું બધાને,
પણ જેને મળવું કહેવાય, એવો તો બસ તુજને જ મળું છું.

ના સ્વાર્થ, ના અપેક્ષા, ના કોઈ માંગણીઓ
તારા મળવામાં બસ પ્રેમથી લથબથ લાગણીઓ,
હૈયાને હુંફ આપવા, તું મુજને મળું છું,
જેને મળવું કહેવાય, એવો તો બસ તુજને જ મળું છું.

તારા માત્ર હોવાથી એક પોતીકો એહસાસ છે,
તું મળે તો લાગે કે શ્વાસો માં શ્વાસ છે,
મુજને મળવા માટે, હું તુજને મળું છું,

જેને મળવું કહેવાય, એવો તો બસ તુજને જ મળું છું.

Sunday 17 November 2013

એ ખરાબ નહીં...



એ સાચું કે વાત વાતમાં રડાય નહીં,
પણ કોઈની યાદમાં આંખ ભીંજાય, એ ખરાબ નહીં.

મળવાના પણ સમય હોય છે, એમ બહુ યાદ કરાય નહીં,
પણ જે મળવા માટે મજબુર કરે, એ યાદ ખરાબ નહીં.

લાગણીઓને કહી ન શકવી, એ સહન થાય નહીં,
પણ જે શબ્દોથી કહી જ ન શકાય, એ લાગણીઓ ખરાબ નહીં.

વાતોથી મન ભરી લેવું, મીલનમાં મૌન પળાય નહીં,
પણ જે બે દીલને ભરી દે, એવું મૌન ખરાબ નહીં.

હસતાં હસતાં આવજો કહેવું, રડમસ વિદાય આપાય નહીં,
પણ જે યાદોને ભીંજવી જાય, એ વિદાય ખરાબ નહીં.

સાથે રહેવામાં મજા છે, લાંબો વિરહ જીરવાય નહીં,
પણ જે સાથને મજબુત કરે, એવો વિરહ ખરાબ નહીં.

દુઃખોનો ભાર માથે લઈને જીવન જીવાય નહીં,
પણ જે જીવતાં શીખવી જાય, એ દુઃખો ખરાબ નહીં.



  --- બૈજુ જાની.

Sunday 10 November 2013

હશે તું કે નહિ હોય


હશે તું કે નહિ હોય, કાયમ મથતો રહ્યો,
તું ઝલક દેતો રહ્યો, હું શોધમાં ફરતો રહ્યો.

તું હશે, છે અને છે જ, માની લઉં કેમ તરત?
જાતને સાબિત કરવા, પુરાવા માંગે જગત,
એકલો હું જીંદગીમાં, સાબિત થવા મથતો રહ્યો,
તું મદદ મજબુત કરતો રહ્યો, હું સબુત માટે ફરતો રહ્યો.


જો તું ના હોય, તો ના જીવાય?
મનુષ્ય છું, એમ તરત શસ્ત્રો કેમ મુકાય?
તારી હયાતીને નકારવાના, નિષ્ફળ પ્રયાસ કરતો રહ્યો,
તું રોજ શ્વાસ ભરતો રહ્યો, હું જાત સાથે લડતો રહ્યો.


મારે દરેક સવાલોના ઉત્તર જોઈએ સાચા,
ચાલવા માટે રસ્તા સીધેસીધા અને એ પણ પાકા,
જીવનના અઘરા સવાલોના, સહેલા જવાબ ઘડતો રહ્યો,
હું ઉત્તર ખોટા દેતો રહ્યો, પણ તું ઉત્તીર્ણ કરતો રહ્યો.

કોઈએ કહ્યું તું આવો હોય ને કોઈએ કહ્યું તો તેવો,
ફરી ફરીને એટલું જાણ્યું, જેવો માનીએ, છે તું એવો,
ચિંધેલા રૂપોમાં શોધવા તને, રાત દિન ભટકતો રહ્યો
તું અંતરમાં રમતો રહ્યો, હું નાહક બહાર ભમતો રહ્યો


Sunday 27 October 2013

મન તને..


મન તને શું કહું તો તું માને?
ચિંતા વ્યથા બેચેની અમસ્તી
છોડી હવે શાંત થાને....

મારું મારું ક્યાં સુધી કરશે?
ભરી ભરીને તું કેટલું ભરશે?
ભરીશ એટલું ભારે થવાશે
છોડીશ એટલું છુટા થવાશે
સાવ સાદું ગણિત છે, કેમ તું ના જાણે?
મન તને શું કહું તો તું માને?

‘હું’, ‘હું’ ને બસ ‘હું’ જ છે તારે
બીજાની વાત સાંભળી છે ક્યારે,
સ્વજનો જયારે ના હાથ લંબાવશે
હુંકાર ના અંધકારમાં ડૂબી જવાશે
‘હું’ અને ‘તું’ બધું એક જ કેમ ના જાણે?
મન તને શું કહું તો તું માને?

આજે તને છે કાલની ચિંતા
કાલે હશે પાછી કાલ ની ચિંતા
રોજ કાલનું વિચારશે તો આજ કેમ જીવાશે?
આજ વીતેલી ક્ષણોને તું પાછી કેમ લાવશે?
ખળખળ વહેતી જીંદગીની પળપળ કેમ ના માણે?
મન તને શું કહું તો તું માને?
ચિંતા વ્યથા બેચેની અમસ્તી
છોડી હવે શાંત થાને.....


--- બૈજુ જાની